વિશ્વના વિવિધ દેશોમાં કોરોનાવાઇરસની મહામારી દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે ભારતીય સરકારે બુધવારે રાત્રે યોજાયેલી એક મિટીંગમાં કડક નિર્ણયો લીધા હતા.
બુધવારે નવી દિલ્હી ખાતે સરકારના ઉચ્ચ મંત્રીઓની મિટીંગ યોજાઇ હતી અને તેમાં આગામી 15મી એપ્રિલ 2020 સુધી તમામ પ્રકારના વિસા સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બ્યૂરો ઓફ ઇમિગ્રેશન, ભારત દ્વારા જારી કરવામાં આવેલા વિસા પ્રતિબંધની યાદી પ્રમાણે, કોઇ પણ દેશના નાગરિકને ઇમરજન્સી સિવાય 15મી એપ્રિલ 2020 સુધી ભારતના વિસા પ્રાપ્ત થશે નહીં.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાવાઇરસના દર્દીઓની સંખ્યા 60 સુધી પહોંચી ગઇ છે.
OCI કાર્ડ ધરાવનારને પણ ભારતના વિસા લેવા પડશે
ભારત સરકારના વર્તમાન નિર્ણય પ્રમાણે Overseas Citizen of India (OCI) કાર્ડ ધરાવનારા અન્ય દેશોના નાગરિકોનો પણ આગામી 15મી એપ્રિલ સુધી ભારતમાં પ્રવેશ સ્થગિત કરવામાં આવ્યો છે. જે 13મી માર્ચ 2020, 12.00 (GMT) સમયથી લાગૂ પડશે.
અનિવાર્ય કારણોમાં છૂટ મળશે
બ્યૂરો ઓફ ઇમિગ્રેશન, ભારત દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવદેનના જણાવ્યા પ્રમાણે, ભારતીય મૂળના અન્ય દેશોના નાગરિકો કે જેઓ OCI કાર્ડ ધરાવે છે તેમને 15 એપ્રિલ 2020 સુધીમાં અનિવાર્ય સંજોગોના કારણે ભારત પ્રવાસ કરવો હશે તો તેમણે તેમની નજીકના ભારતીય કોન્સ્યુલેટનો સંપર્ક કરીને નવા વિસા મેળવવા પડશે.
વિદેશમાં રહેતા ભારતીય પાસપોર્ટ ધારકને મુશ્કેલી નહીં
વિદેશમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ, વર્ક વિસા પર વિદેશમાં કાર્ય કરતા ભારતીય નાગરિકો પર ભારતમાં દાખલ થવા અંગે કોઇ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી પરંતુ જો તેઓ 15મી ફેબ્રુઆરી 2020 બાદ ચીન, સાઉથ કોરિયા, ઇટાલી, ઇરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીની મુલાકાત લીધી હશે તો તેમને ઓછામાં ઓછા 14 દિવસ સુધી એકાંતવાસમાં રહેવાનો આદેશ આપવામાં આવી શકે છે.
ભારતીય નાગરિકોને શક્ય હોય તો વિદેશ પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે
આ ઉપરાંત, વિદેશમાં રહેતો જે ભારતીય નાગિરક અનિવાર્ય કારણોસર ભારતમાં પ્રવેશ કરવા માંગતો હોય તો તેને ભારતીય એરપોર્ટ પર ઊતરાણ કર્યા બાદ મેડિકલ તપાસ કરવામાં આવશે અને 14 દિવસ સુધી એકાંતમાં રહેવા માટે જણાવાઇ શકે છે.
13 માર્ચથી તમામ પ્રકારના વિસા સસ્પેન્ડ
ભારતીય સરકારના નિર્ણય પ્રમાણે, 13મી માર્ચથી 15મી એપ્રિલ 2020 સુધી ભારત માટેના તમામ પ્રકારના વિસા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફક્ત, રાજદ્વારીઓ, યુનાઇટેડ નેશન્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થા અધિકારીઓને જ ભારતના વિસા અંગે લેવામાં આવેલા નિર્ણયો લાગૂ પડશે નહીં.
વર્તમાન સમયમાં ભારતની ધરતી પર રહેતા અન્ય દેશોના નાગરિકોના વિસા માન્ય ગણાશે. અને તેઓ તેમના વર્તમાન વિસામાં વધારો પણ કરી શકશે.
ભારતે આંતરરાષ્ટ્રીય બોર્ડર પણ બંધ કરી
ભારતે જમીનભાગે જોડાયેલી આંતરરાષ્ટ્રીય બોર્ડર પણ હાલ પૂરતી બંધ કરી દીધી છે. અને નક્કી કરાયેલા ચેક પોઇન્ટ્સ પર મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.