એડિલેડ સ્થિત ભારતીય રેસ્ટોરન્ટમાં એક કર્મચારીએ કૂક તરીકે 2 વર્ષ સુધી પગાર વિના નોકરી કરી હોવાનું ટ્રીબ્યુનલે નોંધ્યુ છે.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે, રેસ્ટોરન્ટના બે માલિકોએ કર્મચારીને જો તે આ અંગે ફરિયાદ કરશે તો તેમના વિસા રદ કરાવવાની ધમકી આપી હતી.
પવનજીત હેર એડિલેડ સ્થિત ભારતીય રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા. જ્યાં તેમને પ્રથમ ચાર અઠવાડિયાને બાદ કરતાં વર્ષ 2013થી 2015 દરમિયાન વેતન, ઓવરટાઇમ, વાર્ષિક રજા અને સુપરએન્યુએશન નહીં ચૂકવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફરિયાદી પવનજીતે જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2008માં સ્ટુડન્ટ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. અહીં તેમણે હોસ્પિટાલિટીનો અભ્યાસ કર્યો હતો. જેમાં કોમર્શિયલ કૂક અને શેફના અભ્યાસનો પણ સમાવેશ થતો હતો.
અભ્યાસ બાદ ઓસ્ટ્રેલિયામાં લાંબા સમય સુધી રહી શકાય તે માટે પવનજીત તથા તેમના પતિએ સ્પોન્સર્ડ કૂકની નોકરી શોધવાનું શરૂ કર્યું હતું. જે અંતર્ગત તેઓ 457 ટેમ્પરરી સ્કીલ્ડ વર્કિંગ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહી શકે.
સાઉથ ઓસ્ટ્રેલિયન એમ્પલોયમેન્ટ ટ્રીબ્યુનલ દ્વારા SBS Gujarati ને આપવામાં આવેલા દસ્તાવેજમાં પવનજીતના દાવા મુજબ, એડિલેડના મેવસન લેક્સ સ્થિત રેસ્ટોરન્ટના માલિક કિરણ પટેલે તેમને મે 2013માં નોકરીનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તેમણે એક મહિના ટ્રેનિંગ દરમિયાન વેતન વિના કાર્ય કર્યું હતું અને ત્યાર બાદ ચાર અઠવાડિયાના નાણા જૂન તથા જુલાઇ 2013માં ચૂકવવામાં આવ્યા હતા.
ટ્રીબ્યુનલમાં કરવામાં આવેલી નોંધ મુજબ, રેસ્ટોરન્ટના માલિક દ્વારા તેમની પાસે 30,000 ડોલરની માંગ કરવામાં આવી હતી. જેથી તે ઇમિગ્રેશન ડીપાર્ટમેન્ટ તથા ટેક્સ વિભાગમાં નાણા ચૂકવી શકે. નહીં તો, તેમના વિસા રદ કરવામાં આવશે.
આ ઉપરાંત, પવનજીતને વર્ષ 2015માં એપેન્ડીક્સનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે તેમને માંદગીની રજા મંજૂર ન કરી હોવાનું જાણવા મળ્યું હતું.
તેઓ જ્યારે સર્જરી બાદ આરામ કરી રહ્યા હતા ત્યારે તેમને ફ્યુઝન ઇન્ડિયા પ્રાઇવેટ લિમીટેડ કંપનીનું ઓડિટ કરવામાં આવ્યું હતું અને ડીપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશને તેમના વિસા રદ કર્યા હતા.
ડીપાર્ટમેન્ટે ત્યાર બાદ આગામી 3 વર્ષ સુધી ફ્યુઝન ઇન્ડિયા સંસ્થા પર વિસાધારકોને સ્પોન્સર કરવાનો પ્રતિબંધ મૂક્યો હતો.
કંપનીના માલિક દ્વારા કોઇ પણ પ્રકારના પુરાવા કે પ્રત્યક્ષદર્શી રજૂ કરવામાં આવ્યા નહોતા. તેમણે પવનજીત વિશ્વસનીય અને ભરોસાપાત્ર ન હોવાનું જણાવ્યું હતું.
સાઉથ ઓસ્ટ્રેલિયન એમ્પલોયમેન્ટ કોર્ટે પોતાના નિર્ણયમાં કિરણભાઇ પટેલને પવનજીત દ્વારા દાવો કરવામાં આવ્યો તે સમય દરમિયાન વેતન નહીં આપ્યાનું નોંધ્યું છે.
આ ઉપરાંત, કર્મચારીને ઓવરટાઇમ, વીકેન્ડના પેનલ્ટી દર, બ્રેક, સુપરએન્યુએશન તથા ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2015 દરમિયાન અંગત રજા દરમિયાન નાણા નહીં આપવાનું ઉલ્લંઘન નોંધ્યું છે.
કોર્ટે રાધાબેન પટેલને બપોરે 3થી સાંજે 5 વાગ્યા સુધી પવનજીતને બ્રેક નહીં આપવા બદલ દોષિત ઠેરવ્યા હતા.
** સાઉથ ઓસ્ટ્રેલિયન એમ્પલોયમેન્ટ ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજના આધારે આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.