ફેર વર્ક ઓમ્બુડ્સમાને મેલ્બર્ન સ્થિત હેર એન્ડ બ્યૂટી સલૂન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, શ્રી હરી કિશન પ્રાઇવેટ લિમીટેડ, મેલ્બર્નના ડાન્ડેનોંગ વિસ્તારમાં ‘M Hair 'n' Beauty Studio’ તથા સ્પ્રીન્ગવેલમાં અગાઉ ‘Multi Cut Hair and Beauty Salon’ નામથી કાર્યરત હતી. તેની સામે તપાસ શરૂ થઇ છે. આ ઉપરાંત કંપનીના ડાયરેક્ટર મનોજ મનોજ સામે પણ ફેર વર્કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફેર વર્ક ઓમ્બુડ્સમાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં 482 ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ વિસા પર રહેતા ભારતીય કર્મચારીએ કંપની સામે ઓછા વળતરની ફરિયાદ કરી હતી.
તે કર્મચારી જુલાઇ 2019થી જુલાઇ 2020 સુધી બંને સલૂનમાં નોકરી કરતો હતો.

Source: facebook.com/fairwork
ભારતીય મૂળના કર્મચારીને હેર એન્ડ બ્યૂટી ઇન્ડસ્ટ્રી એવોર્ડ 2010 પ્રમાણે, વેતન, ઓવર ટાઇમ પગાર, વીકેન્ડ અને જાહેર રજા દરમિયાન પેનલ્ટી રેટના દરથી વેતન આપવામાં આવતું નહીં હોવાની ફરિયાદ બાદ ફેર વર્કે કંપનીને માર્ચ 2021માં ખુલાસો આપી પગલાં લેવા નોટીસ આપી હતી.
ફેર વર્કે નોંધ્યું હતું કે યોગ્ય કારણો દર્શાવવામાં તથા કર્મચારીને બાકી રહેલા નાણા આપવામાં કંપની નિષ્ફળ રહી છે. ડાયરેક્ટર મનોજ દ્વારા પર આદેશોનું ઉલ્લંઘન થયું હોવાની જાણકારી મળી હતી.
આ ઉપરાંત, કંપની તથા મનોજે ચાર વખત ફેર વર્કના ઇન્સ્પેક્ટરને ખોટા દસ્તાવેજો દર્શાવીને ફેર વર્ક એક્ટના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ છે.
એક્ટીંગ ફેર વર્ક ઓમ્બુડ્સમાન માર્ક સ્કૂલીએ જણાવ્યું હતું કે, સંસ્થા કાર્યસ્થળે કર્મચારીઓને થતા અન્યાય સામે કડક નિયમો લાગૂ કરી કાયદેસરની કાર્યવાહી કરશે.
નોકરીદાતા ફેર વર્કના આદેશોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવશે તેમ સ્કૂલીએ ઉમેર્યું હતું.
હાલમાં કંપની સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. ફેર વર્કને યોગ્ય ખુલાસો આપવામાં નિષ્ફળ રહ્યા બાદ કંપની સામે 33,300 ડોલર તથા મનોજ સામે 6660 ડોલરના દંડ સુધીની માંગ કરવામાં આવી છે.
દરેક ખોટા રેકોર્ડ માટે કંપની સામે 66,600 ડોલર તથા મનોજ સામે 13,320 ડોલરના દંડની ફેર વર્કે માંગ કરી છે.
ફેર વર્કે આ ઉપરાંત, નોટિસનો જવાબ આપી કર્મચારીને બાકી રહેલી તમામ ચૂકવણી કરવા જણાવ્યું છે.