કેનબેરાના એક રહેવાસીએ ફૂડ ડિલીવરી કંપની ડીલીવરુ (Deliveroo) પર તેમને ઓછી ચૂકવણી કરવાનો આરોપ મૂકીને કાયદેસરના પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
જેરેમી રીન્ડે ફેડરલ સર્કિટ કોર્ટ ખાતે કરેલા કેસમાં જણાવ્યું છે કે કંપની તેમને પ્રતિ કલાકે 10 ડોલરની ઓછી ચૂકવણી કરતી હતી.
રીન્ડે જણાવ્યું હતું કે મને જ્યારે ખબર પડી કે કંપની મને ઓછું મહેનતાણું આપી રહી હતી ત્યારે મારે કોઇ પણ પ્રકારનો વિરોધ પ્રગટ કર્યા વગર મળતું મહેનતાણું સ્વીકારવાનું હતું અથવા તો મને મળી રહેલા ઓછા વેતન સામે લડત લડવાની હતી.
રીન્ડે જણાવ્યું હતું કે તેમણે ડીલીવરુને આ અંગે ફરિયાદ પણ કરી હતી પરંતુ કંપની તરફથી કોઇ પણ પ્રકારનો સહયોગ પ્રાપ્ત થયો નહોતો.
જોકે, તેમને હવે ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનનો સહયોગ મળ્યો છે પરંતુ તે અગાઉ રીન્ડ પોતાની ફરિયાદને કોર્ટમાં પ્રસ્તુત કરવા માંગે છે.
ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનના નેશનલ સેક્રેટરી માઇકલ કૈને જણાવ્યું હતું કે, ડીલીવરુ કંપની કોન્ટ્રાક્ટ કર્યાનો ડોળ કરે છે વાસ્તવમાં તેઓ ડ્રાઇવરને સ્વતંત્ર કોન્ટ્રાક્ટર તરીકે પ્રસ્તુત કરે છે જેથી તેઓ ઓછામાં ઓછું વેતન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાથી બચી શકે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપની એમ દર્શાવે છે કે તેમના કર્મચારીઓ પાસે કામની સ્વતંત્રતા છે, જે ખરેખર નથી. સ્વતંત્ર કોન્ટ્રાક્ટર હોવાના કારણે તેમને ઓસ્ટ્રેલિયામાં મળતા લઘુત્તમ વેતન કરતા પણ ઓછું વેતન પ્રાપ્ત થાય છે અને, તેમનું શોષણ થાય છે.
ફૂડ ડીલીવરીનો ઓર્ડર આપતા લોકોએ એ સમજવું જોઇએ કે જે વ્યક્તિ તમને ફૂડ ડીલીવરી કરી રહ્યો છે તેને ખૂબ જ ઓછું વેતન પ્રાપ્ત થાય છે.
જે વ્યક્તિ તમને ઘરે ફૂડ પહોંચાડે છે તે લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું વેતન મેળવે છે, તે કલાકો સુધી રસ્તા પર ઉભા રહીને ઓર્ડરની રાહ જુએ છે અને તેને આરોગ્ય, સલામતી અને સુપરએન્યુએશન જેવી કોઇ જ સુવિધા પ્રાપ્ત થતી નથી. તેની નોકરી પણ સ્થિર નથી. કર્મચારીઓના શોષણ સામે અમે લડત લડવા માંગીએ છીએ.
બીજી તરફ, ડીલીવરુએ જણાવ્યું હતું કે તેમના ડ્રાઇવર્સ અઠવાડિયાના 15 કલાક તથા પ્રતિ કલાક 22 ડોલર જેટલું વેતન મેળવે છે.
કંપનીના જણાવ્યા મુજબ, તેમના ડ્રાઇવર્સ સારું મહેનતાણું મેળવે છે એટલે જ કંપની પાસે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં 8 હજારથી પણ વધુ કર્મચારીઓ છે જે સ્વતંત્ર કોન્ટ્રાક્ટર તરીકે કાર્ય કરે છે.