ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા અને કેનેડામાં લાખો લોકો ભારતમાં ચાલી રહેલા નકલી કોલ સેન્ટર્સ દ્વારા છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે.
ભારતમાં સેંકડો નકલી કોલ સેન્ટર્સ કાર્યરત છે જેના કારણે છેતરપીંડી કરનારા લોકો લાખ્ખો ડોલર્સની કમાણી કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં અધિકારીઓએ આ પ્રકારના નકલી કોલ સેન્ટર્સ પર છાપા માર્યા હોવા છતાં પણ ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો થયો નથી.
BBC ના પેનોરામા કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યા પ્રમાણે એક નકલી કોલ સેન્ટર દ્વારા બ્રિટનમાં લગભગ 70 હજાર જેટલા ફોન કરવામાં આવ્યા હતા.
આવો, આ છેતરપીંડી એક કિસ્સા દ્વારા સમજીએ....
પોલિન નિકોલ્સ જ્યારે તેમના કમ્પ્યુટર પર પાલતૂ કૂતરા માટે ઇન્સ્યોરન્સ અંગે તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમની કમ્પુટર સ્કીન પર એક મેસેજ જોવા મળ્યો હતો. તેમાં લખ્યું હતું કે તમારું કમ્પ્યુટર લૉક થઇ ગયું છે.
તેમણે તરત જ સ્ક્રીન પર આવેલા નંબર પર સંપર્ક કર્યો.
પોલિને કોલ સેન્ટરને સમગ્ર ઘટના જણાવી. ત્યાર બાદ તેમને છેતરપીંડી માટે મેસેજ મોકલવામાં આવ્યો હોવાની જાણ થઇ હતી.
પરંતુ તે એક સ્કેમ હતો, ભારતમાં ચાલી રહેલા કોલ સેન્ટર્સની સંડોવણી હતી.
નિકોલ્સે તે કોલસેન્ટરને 400 પાઉન્ડ્સની ચૂકવણી કરી અને છેતરપીંડીનો ભોગ બન્યા. ખરેખર તેમના કમ્પ્યુટરમાં કોઇ પણ પ્રકારની ખરાબી થઇ નહોતી.
છેતરપીંડીનો ભોગ બનનારા લોકોને માઇક્રોસોફ્ટને સંપર્ક કરવા માટે જણાવાયું છે પરંતુ કમ્પ્યુટર પર જોવા મળતો નંબર સીધો ભારતમાં કાર્યરત કોલ સેન્ટર્સમાં જાય છે.
ત્યાર બાદ કમ્પ્યુટરમાં રહેલી ખરાબીનો નિકાલ કરવા માટે ઓપરેટર્સ દ્વારા નાણાની માંગણી કરાય છે.
બીબીસીના કરંટ અફેર્સ કાર્યક્રમ – પેનોરમામાં આ નકલી કોલ સેન્ટર્સનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
જીમ બ્રાઉનિંગના જણાવ્યા પ્રમાણે, તેમની પાસે ભારતનો નક્શો છે. તેમાં દેશમાં ચાલી રહેલા વિવિધ કોલ સેન્ટર્સની યાદી છે.
તેમની પાસે છેતરપીંડી કરનારા લોકોના રેકોર્ડ્સ પણ છે. તેમણે જણાવ્યું હતું કે એક વ્યક્તિએ તેમને સેન જોસ કેલિફોર્નિયામાં હોવાનું જણાવ્યું હતું.
જોકે, છેતરપીંડી કરનારા વ્યક્તિને તે ખબર નહોતી કે બ્રાઉનિંગ તેમની પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છે.
બ્રાઉનિંગે જ્યારે તેમને ગૂગલ પર તપાસ કર્યા વગર સેન જોસમાં કાર્યરત રેસ્ટોરન્ટ્સ વિશે માહિતી આપવા જણાવ્યું ત્યારે તે સ્કેમર્સ ગભરાઇ ગયો અને ગૂગલ પર તપાસ કરતો જોવા મળ્યો હતો.
આ પ્રકારના કોલ સેન્ટર દિલ્હીમાં કાર્યરત છે. તે દર મહિને અડધો મિલીયન ઓસ્ટ્રેલિયન ડોલર જેટલી કમાણી કરે છે.
ACCCના અંદાજા મુજબ ઓસ્ટ્રેલિયાના નાગરિકો દર વર્ષે અડધો બિલિયન ડોલર્સ આ પ્રકારની છેતરપીંડી દ્વારા ગુમાવે છે.
કોલ સેન્ટરના માલિકે આ પ્રકારની છેતરપીંડી ચાલી રહી હોવાની બાબતને રદિયો આપ્યો હતો.
ફૂટેજમાં જોવા મળ્યા પ્રમાણે, છેતરપીંડી બાદ કોલ સેન્ટર્સના લોકો ભોગ બનાનારા નાગરિકો પર હસી રહ્યા છે.
વર્ષ 2018માં SBS દ્વારા પણ ભારતમાંથી આ પ્રકારના સ્કેમ ચાલી રહ્યા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ REAL Microsoft કંપની દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યાર બાદ દિલ્હી પોલીસ દ્વારા 50 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
બ્રાઉનિંગના જણાવ્યા પ્રમાણે, જ્યારે પોલીસ છાપો મારે છે ત્યારે છેતરપીંડી કરનારા લોકો તેમનું સ્થાન બદલી નાંખે છે.
ACCC એ છેતરપીંડીથી બચવા માટે scamwatch.gov.au વેબસાઇટ શરૂ કરી છે.