આમ તો કેન્દ્ર અને રાજ્યોમાં જુદા જુદા પક્ષોની સરકાર હોય તો કોઈને કોઈ મુદ્દે બંને વચ્ચે વિખવાદ થાય એમાં નવાઈ ન લાગે. ભારત જેવી લોકશાહી શાસન પ્રણાલીની એ જ ખાસિયત છે કે બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા પક્ષો અહીં અસ્તિત્વ ધરાવે છે.
જો કે હમણાં નાગરિકતા સુધારણા કાયદાને મામલે કેન્દ્ર અને કેટલાક રાજ્યોની સરકાર વચ્ચેનો વિવાદ બહુ ઉપલા સ્તરે પહોંચ્યો છે. કેન્દ્રની ભાજપ સરકાર આ કાયદો લઈ આવી ત્યારથી કોંગ્રેસ સહિતના પક્ષો એનો વિરોધ કરી રહ્યા છે.
હવે કેરળની ડાબેરી સરકાર આ આખો મામલો ન્યાયતંત્રને દરવાજે લઈ ગઈ છે. કેરળ સરકારે સર્વોચ્ચ અદાલતમાં નાગરિકતા સુધારણા કાયદાને પડકાર્યો છે અને એને ભારતીય બંધારણના કેટલાક પાયાના સિદ્ધાંતની વિરુદ્ધનો ગણાવ્યો છે.
બંધારણની કલમ 131 અંતર્ગત સર્વોચ્ચ અદાલતને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના વિવાદમાં મધ્યસ્થી કરવાનો અધિકાર છે. કેરળ સરકારનું કહેવું છે કે નાગરિકતા સુધારણા કાયદા મુજબ પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ નિરાશ્રિતોને જ દેશની નાગરિકતા આપવાની જોગવાઈ બીજા લોકો માટે અન્યાયકારક છે.
કેરળ સરકારે એ માટે શ્રીલંકાના તમિળ, નેપાળના હિન્દુ મધેશી તથા ભુતાનના ખ્રિસ્તી લઘુમતિઓનો દાખલો આપી કહ્યું છે કે એમને દેશની નાગરિકતાથી વંચિત રાખી શકાય નહીં.
નાગરિકતા સુધારણા કાયદા સામેની કેરળ સરકારની અરજી હજી તો અદાલતની વિચારણા હેઠળ છે, પણ અહીં એક ઉલ્લેખ કરવો જરૂરી છે કે આશરે 60 વર્ષ પછી કોઈ રાજ્ય સરકારે કેન્દ્ર વિરુદ્ધ બંધારણની કલમ 131નો ઉપયોગ કરી એના કોઈ નિર્ણયને પડકાર્યો છે.
છેલ્લા મહિનામાં દેશના ઓછામાં ઓછા અગિયાર રાજ્યોએ નાગરિકતા સુધારણા કાયદાનો અમલ ન કરવાની જાહેરાત કરી છે, પણ કેરળ એકમાત્ર રાજ્ય છે જેણે આ કાયદાની વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો છે અને બીજા રાજ્યોને પણ એનું પુનરાવર્તન કરવા સૂચવ્યું છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે નાગરિકતા સુધારણા કાયદાનો અમલ ન કરવાની જાહેરાત જે રાજ્યોએ કરી છે એમાં બિહાર સિવાય તમામ રાજ્યોમાં કોંગ્રેસ અથવા તો એના સાથી પક્ષોની સરકાર છે.
અહીં એ સવાલ ઉપસ્થિત થાય છે કે કેન્દ્રના અધિકાર ક્ષેત્રમાં આવતા કાયદાનો અમલ કોઈ રાજ્ય સરકાર નકારી શકે ખરી? એનો જવાબ છે ના!
એટલે જોવાનું એ છે કે ક્યાં સુધી કોઈ રાજ્યની સરકાર નાગરિકતા સુધારણા કાયદાનો અમલ ટાળી શકે છે?