કોરોનાવાઇરસ ઓસ્ટ્રેલિયામાં મહામારીમાં પરિણામ્યો છે ત્યારે વિવિધ સરકાર દ્વારા તેની અસર ઓછી કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
તાવ આવ્યો હોય તેવા દર્દીઓને સ્વેચ્છાએ 14 દિવસ સુધી એકાંતવાસમાં રહેવા માટે જણાવવામાં આવતું હતું પરંતુ લોકો તેને ગંભીરતાથી લેતા નથી.
વર્તમાન સમયમાં બંને, કેન્દ્ર અને રાજ્યોની સરકાર દ્વારા જો કોઇ પણ વ્યક્તિ કોરોનાવાઇરસ ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવી હોય અથવા તો છેલ્લા બે અઠવાડિયા ચીન, ઇરાન, ઇટાલી કે સાઉથ કોરિયાથી પરત આવી હોય તેને એકાંતમાં રહેવા માટે જણાવી રહી છે.
અત્યાર સુધીમાં લોકોને સ્વેચ્છાએ જ એકાંતમાં રહેવા માટે સલાહ અપાતી હતી પરંતુ હવે સરકારે 14 દિવસ સુધી એકાંતવાસમાં રહેવાનો આદેશ કર્યો છે.
જોકે, કેટલાક લોકો તે આદેશને ગણકારતા નથી અને જાહેર સ્થળો પર હાજર રહે છે.
એકાંતવાસના આદેશની અવગણના કરનારને જંગી દંડ તથા જેલની કેદની સજા પણ થઇ શકે છે.
વિવિધ રાજ્યમાં કેટલો દંડ
- તાસ્માનિયા પબ્લિક હેલ્થ એક્ટ પ્રમાણે, એકાંતવાસના આદેશનો ભંગ કરવા બદલ 8400 ડોલરનો દંડ થઇ શકે છે.
- ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં જો આ આદેશનું પાલન ન કર્યું તો 11,000 ડોલરનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત, 6 મહિનાની જેલની સજાની પણ જોગવાઇ છે.
- સાઉથ ઓસ્ટ્રેલિયામાં 25,000 ડોલરનો દંડ થઇ શકે છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 12 મહિનાની જેલની સજા અને 50,000 ડોલરનો દંડ થશે.
- વિક્ટોરિયા અને ક્વિન્સલેન્ડ રાજ્યમાં અનુક્રમે 6600 તથા 13,345 ડોલરનો દંડ થઇ શકે છે.
તાસ્માનિયામાં આદેશનો ભંગ
તાસ્માનિયામાં એક વ્યક્તિને ડોક્ટર્સ દ્વારા એકાંતવાસમાં રહેવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં પણ તેણે તેનું પાલન કર્યું નહોતું.
અને, બીજા દિવસે હોબાર્ટમાં તેની હોટલમાં નોકરી પર ગયો હતો. તાસ્માનિયાની આરોગ્ય મંત્રી સારાહ કર્ટનીએ જણાવ્યું હતું કે સરકાર નિયમનો ભંગ કરનારા લોકો પર કડક પગલા લેશે.