ઓસ્ટ્રેલિયામાં 29મી માર્ચ 2020 સવારે 6 વાગ્યા સુધીમાં કોરોનાવાઇરસના કેસોની સંખ્યાં 3809 સુધી પહોંચી ગઇ હતી. સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 431 નવા કેસ નોંધાયા હતા.
કોરોનાવાઇરસના કેસોની સંખ્યા વધે નહીં તે માટે કેન્દ્રીય સરકારે વિવિધ પ્રતિબંધો લાગૂ કર્યા છે. જોકે, તેમ છતાં પણ પ્રતિબંધોનું પાલન નહીં થતા વિવિધ રાજ્યોની સરકારોએ વધુ કડક દંડ ફટકારવાનું નક્કી કર્યું છે
વિવિધ રાજ્યો દ્વારા નક્કી કરાયેલા દંડ
- વડાપ્રધાન સ્કોટ મોરિસને સોશિયલ ડિસ્ટન્સિંગ અમલમાં મૂક્યા બાદ ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યએ નિયમ તોડનારા લોકો પર 1000 ડોલર તથા જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા વેપાર પર 5000 ડોલરનો દંડ નક્કી કર્યો છે.
- વિક્ટોરિયામાં પણ સરકારી આદેશોનું ઉલ્લંઘન કરનારા નાગરિકો અને ઉદ્યોગોને તાત્કાલિક દંડ ફટકારવામાં આવશે.
- જે લોકો વિદેશથી ઓસ્ટ્રેલિયા આવશે અને 14 દિવસ સુધી એકાંતવાસમાં નહીં રહે તેમને 1652 ડોલર તથા જે વેપાર – ઉદ્યોગો સામૂહિક મેળવડાના નિયમોનું ઉલ્લંઘન કરશે તેને 9913 ડોલરનો દંડ ફટકારવામાં આવશે.
- સાઉથ ઓસ્ટ્રેલિયામાં જે લોકો એકાંતવાસનો નિયમ તોડશે તેને તાત્કાલિક 1000 ડોલરનો દંડ અને જે ઉદ્યોગો નક્કી કરવામાં આવેલા નિયમો તોડશે તેને 5000 ડોલરનો દંડ ભરવો પડશે.
- તાસ્માનિયામાં કોઇ પણ જરૂરી કારણ વિના 29મી માર્ચ 2020 મધ્યરાત્રિ બાદ રાજ્યમાં આવનારા મુસાફરને સરકારી સુવિધામાં 14 દિવસ એકાંતવાસ ભોગવવો પડશે.
17મી માર્ચ મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.
જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.