કોરોનાવાઇરસ સામે લડવાના પ્રયાસોમાં રવિવારે રાત્રે કેન્દ્રીય સરકારે 10 લોકોના ભેગા થવાનો નિયમ બદલીને મહત્તમ 2 લોકો એકસાથે ફરી શકે તેવો નિયમ નક્કી કર્યો છે.
આ નિયમ ખાનગી માલિકી હેઠળની મિલકત સહિત ઇન્ડોર, આઉટડોર જગ્યાઓ પર અમલમાં રહેશે.
તમને આ નિયમની શું અસર થશે...
ઘરમાં બે લોકોનો નિયમ: અગાઉથી સાથે રહેતા કુટુંબીજનો માટે બે વ્યક્તિનો નિયમ લાગૂ પડતો નથી. એક ઘરમાં બેથી વધુ સભ્યો રહી શકે છે.
ખરીદી કરવા જઇ શકાશે: બે વ્યક્તિઓનો નિયમ ખરીદી કરવામાં પણ લાગૂ રહેશે. વડાપ્રધાને મોટા સમૂહમાં ખરીદી નહીં કરવા કે શોપિંગ સેન્ટર્સની બહાર મિત્રો સાથે એંકઠા નહીં થવા અનુરોધ કર્યો છે.
મિત્ર ઘરની મુલાકાત લે: આ પ્રતિબંધ તમામ ઇન્ડોર સ્થળ પર રહેશે એટલે કે તમારા એકથી વધુ મિત્ર તમારા ઘરની એક સાથે મુલાકાત ન લઇ શકે.
તમારે મિત્રની મુલાકાત લેવી હોય તો: જો તમારે મિત્રની મુલાકાત લેવી હોય અથવા તેની સાથે ચાલવા માટે જવું હોય તો, તમે અને મિત્ર માત્ર બે લોકો જ ચાલવા જઇ શકો છો.
પરિવારજનોની મુલાકાત લઇ શકાય: માતા-પિતા અને ભાઇઓ – બહેનોની મુલાકાત લઇ શકાય છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ખૂબ જ જરૂરી છે.
વૃદ્ધોએ શું ધ્યાન રાખવું: 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા અથવા ચાલવા માટે બહાર જવું, તે સિવાય ઘરમાં જ રહેવા માટેની સરકારે સલાહ આપી છે.
નિયમ ક્યારથી લાગૂ પડશે: બે લોકોના એક સાથે ફરવા અંગેનો નિયમ સોમવાર મધ્યરાત્રિથી લાગૂ પડશે. જે અંતર્ગત પબ્લિક ગ્રાઉન્ડ, જીમ અને સ્કેટ પાર્ક્સ જેવી જગ્યાઓ બંધ રહેશે. નિયમ ભંગ કરવા બદલ જે - તે રાજ્યોએ નક્કી કરેલા કરેલા દંડ ભરવા પડી શકે છે.
તમામ ઓસ્ટ્રેલિયન્સે એકબીજા સાથે ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર રાખવું જરૂરી છે. અને ઘર બહાર વધુમાં વધુ બે લોકો જ એકસાથે ફરી શકે છે.
જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.
જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.