ઓસ્ટ્રેલિયન કેન્દ્રીય સરકાર દ્વારા કોરોનાવાઇરસને કાબૂમાં લેવા વિવિધ ક્ષેત્રો માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.
મોટાભાગના ફેરફારો બુધવાર 18મી માર્ચથી લાગૂ થશે.
લોકમેળાવડા, ઇવેન્ટ્સ
સરકારના આદેશ પ્રમાણે, જરૂરિયાત ન હોય તેવા સામાજિક કાર્યક્રમો રદ કરવા જોઇએ અને જે ઇન્ડોર કાર્યક્રમમાં 100થી વધુ લોકોની હાજરી હશે તેવા કાર્યક્રમોને પરવાનગી આપવામાં આવશે નહીં.
પબ્લિક ટ્રાન્સપોર્ટ, હોસ્પિટલ્સ, ઇમરજન્સી સર્વિસ, યુથ સર્વિસ, પાર્લમેન્ટ, સુપરમાર્કેટ્સ, શોપિંગ સેન્ટર્સ, ઓફિસ બિલ્ડીંગ્સને આ આદેશ લાગૂ પડશે નહીં.
બીજી તરફ, આઉટડોર ઇવેન્ટસ માટે 500થી ઓછા લોકો ધરાવતા કાર્યક્રમને જ પરવાનગી આપવામાં આવશે. જેમાં પણ આયોજકોએ ઉપસ્થિત લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્વચ્છતાના જરૂરી પગલા લેવા પડશે. અને, બંને સ્થાનો પર લોકો વચ્ચે 1.5 મીટરનું અંતર રાખવું જરૂરી રહેશે.
ફૂડ માર્કેટ્સને આ આદેશ લાગૂ પડશે નહીં.
આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ
ધ નેશનલ સિક્યોરિટી કમિટી ઓફ કેબિનેટના નિર્ણય પ્રમાણે વર્તમાન સમયમાં વિદેશ પ્રવાસ કરવો એ સૌથી જોખમી છે. તેથી જ ઓસ્ટ્રેલિયન્સે શક્ય હોય તો વિદેશ પ્રવાસ રદ કરવો જોઇએ.
આ ઉપરાંત, જે ઓસ્ટ્રલિયન્સ હાલમાં વિદેશમાં છે અને તેમણે ઓસ્ટ્રેલિયા પરત ફરવું છે તેમણે તાત્કાલિક ઓસ્ટ્રેલિયા આવી જવું જોઇએ.
ઓસ્ટ્રેલિયન સિટીઝન અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સે ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ 14 દિવસ સુધી ઘરમાં જ રહેવું પડશે.
ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટ
સરાકારના આદેશ પ્રમાણે, જો જરૂરિયાત હોય તો જ નાગરિકોએ પ્રવાસ કરવા અંગે વિચારવું જોઇએ. તાવ આવતો હોય તો ઘરે જ આરામ કરવો જરૂરી છે.
ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટમાં અત્યારે વાઇરસ ફેલાવાનું જોખમ ઓછું હોવાથી તે યથાવત રીતે ચાલૂ રહેશે.
Source: Supplied
Anzac Day
ઓસ્ટ્રેલિયામાં Anzac Day ને સૈન્યબળોની યાદ માટે ઉજવવામાં આવે છે. જોકે સરકારના નિર્ણય પ્રમાણે, આ વર્ષે Anzac Day ની ઉજવણી રદ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલ તે દિવસે સામાન્ય લોકોની ગેરહાજરી વચ્ચે પોતાની સર્વિસ યોજાશે.
જથ્થાબંધ ખરીદી
સરકારે લોકોને ભયમાં આવીને જથ્થાબંધ ખરીદી ન કરવાની સલાહ આપતા જણાવ્યું છે કે આવનારા સમયમાં પરિસ્થિતી કાબૂમાં આવશે. તેથી લોકોએ ગભરાઇને જરૂરિયાત કરતા વધુ માત્રામાં વસ્તુ ન ખરીદવી જોઇએ.
Residents queue up to buy groceries at a market as food prices soar due to the coronavirus outbreak in Wuhan City, Hubei Province, China. Source: AAP Image/EPA/STRINGER CHINA OUT
એજ કેર અને વૃદ્ધ ઓસ્ટ્રેલિયન્સ
એજ કેરમાં રહેતા વૃદ્ધો માટે પણ સરકારે મહત્વના નિર્ણય લીધા છે જેમાં, વિદેશથી આવેલા કોઇ પણ મુલાકાતી અને સ્ટાફના સભ્ય 14 દિવસ સુધી એજ કેરની મુલાકાત લઇ શકશે નહીં.
આ ઉપરાંત, કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિ, તાવ આવતો હોય તે અને જેમણે influenza ની રસી નહીં મૂકાવી હોય તે એજ કેરમાં પ્રવેશ કરી શકશે નહીં.
મુલાકાતીઓ માટે ગાઇડલાઇન્સ
- જેમાં મુલાકાતનો સમય ઓછો કરવા ઉપરાંત, ફક્ત 2 મુલાકાતી જ એજ કેરની મુલાકાત લઇ શકશે.
- મુલાકાત પણ રેસીડેન્ટના રૂમમાં, ખુલ્લી જગ્યામાં અથવા ચોક્કસ સ્થાન પર જ કરવી પડશે.
સ્કૂલ
કેન્દ્રીય સરકારે સ્કૂલ અગાઉની જેમ જ ચાલૂ રાખવાનો નિર્ણય લીધો છે. સરકારે વિવિધ દેશો દ્વારા સ્કૂલ બંધ કરવાના નિર્ણયની સમીક્ષા કરી હતી અને જાણ્યું હતું કે સ્કૂલ બંધ કરવાથી કોરોનાવાઇરસને કાબૂમાં લેવાના આશયમાં મોટો ફેરફાર થયો નથી.
વડાપ્રધાન સ્કોટ મોરિસનના જણાવ્યા પ્રમાણે, બાળકો સ્કૂલમાં વધુ સુરક્ષિત છે તેથી સ્કૂલ્સ બંધ કરવામાં નહીં આવે.
જોકે, એસેમ્બલી અને સ્કૂલના અન્ય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. અને, બાળકોની સલામતી માટે સ્કૂલને યોગ્ય રીતે સાફ કરવાનો આદેશ આપ્યો છે.
બીજી, તરફ યુનિવર્સિટીસ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોને પણ ચાલૂ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, જરૂર જણાય તો ઘરેથી કામ કરવાની છૂટ પણ આપવામાં આવશે.
કમ્યુનિટી સ્પોર્ટ્સ
સરકારના નિર્ણય પ્રમાણે કમ્યુનિટી સ્પોર્ટ્સના આયોજન ચાલૂ રાખી શકાય છે. જોકે, રમત સંસ્થાઓએ ચેન્જ રૂમ, શારીરિક સંપર્ક, મુસાફરી અને વિવિધ આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખવી પડશે.
શારીરિક સંપર્ક થાય તેવી રમતના આયોજનનો નિર્ણય જે – તે સંસ્થાએ લેવાનો રહેશે.
ઇન્ડીજીનીસ સમાજને મદદ
ઇન્ડીજીનીસ સમાજ તથા જરૂરિયાત મંદ લોકોને કોરોનાવાઇરસ સામે રક્ષણ મળે તે માટે સરકાર દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડશે ત્યારે વધારાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.