ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ન કારણે વિવિધ ક્ષેત્રોમાં કર્મચારીઓની અછત સર્જાયા બાદ કેન્દ્ર સરકારે સ્ટુડન્ટ વિસાધારકોને તેમના નોકરીના કલાકોની મર્યાદાના નિયમમાંથી કામચલાઉ ધોરણે છૂટ આપી હતી.
મતલબ કે સ્ટુડન્ટ વિસાધારકો દેશના વિવિધ વેપાર - ઉદ્યોગમાં કર્મચારીઓની અછત પૂરી કરવા માટે અમર્યાદિત સમય સુધી કાર્ય કરી શકતા હતા.
આ નિયમ જાન્યુઆરી 2022માં લાગૂ કરવામાં આવ્યો હતો. તેની એપ્રિલ 2022માં ફરીથી સમીક્ષા કરવામાં આવી હતી.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના જણાવ્યા પ્રમાણે, સરકારે તેની સમીક્ષા કરી છે અને કામચલાઉ ધોરણે કાર્યના કલાકોની મર્યાદા હટાવી હતી. તેને યથાવત રાખી છે.
નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓએ તેમને લાગૂ થતા તમામ ફેરફારો તથા વિસાની શરતો વિશે માહિતગાર રહેવું જરૂરી છે. જેમાં કાર્યના કલાકોમાં ફેરફારના નિયમનો પણ સમાવેશ થાય છે.સરકારે કાર્યના કલાકોની મર્યાદામાં છૂટને યથાવત રાખવાનો નિર્ણય લીધા બાદ એડિલેડ સ્થિત ઓસીઝ ગ્રૂપના રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ તેજસ પટેલે ને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં 2 વર્ષથી કોવિડ-19ના કારણે આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હતી.
Migration agent Tejas Patel. Source: Supplied by: Tejas Patel
જેથી સ્ટુડન્ટ્સ વિસાધારકો અને અન્ય સ્કીલ્ડ વિસાધારકો ઓસ્ટ્રેલિયા આવી શકતા નહોતા. અને, તેના કારણે વિવિધ વેપાર - ઉદ્યોગોને કર્મચારીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ સરકારે સ્ટુડન્ટ વિસાધારકોને જાન્યુઆરી 2022માં કામચલાઉ ધોરણે કાર્યના કલાકોની મર્યાદામાં છૂટ આપી હતી.
જેની એપ્રિલ 2022માં ફરીથી સમીક્ષા કરવામાં આવી હતી. સરકારના જણાવ્યા પ્રમાણે, સ્ટુડન્ટ વિસાધારકોને આગામી કોઇ સૂચના ન મળે ત્યાં સુધી કાર્યના કલાકોની મર્યાદા લાગૂ થશે નહીં.
તેજસે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ અને અન્ય વિસાની શરતોનું પાલન કરવું જરૂરી છે.
વિદ્યાર્થીઓએ તેમના કોર્સમાં અભ્યાસ, ક્લાસમાં હાજરી તથા કોર્સ પૂરો કરવા જેવી શરતોનું પાલન કરવું પડશે.
જે વિદ્યાર્થીઓ તેમનું એડમિશન રદ કરે અથવા ક્લાસમાં હાજરી ન આપે તેઓ તેમના વિસાની શરતોને ભંગ કરી રહ્યા હોવાનું ગણાશે, તેમ તેજસે જણાવ્યું હતું.