ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના સિડની શહેરમાં ગયા ગુરુવારે હાઇવે ટ્રાફિક પોલીસે ભારતીય મૂળના ડ્રાઇવરને અન્ય બે પેસેન્જર્સ સાથે ટુ વ્હિલર વાહન ચલાવતા અટકાવ્યા હતા.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે, ટ્રાફિક એન્ડ હાઇવે પેટ્રોલ કમાન્ડ – ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે ગુરુવારે 19મી સપ્ટેમ્બરના રોજ બપોરે 2.35 કલાકે ભારતીય મૂળના 67 વર્ષીય ડ્રાઇવરને વેન્ટવર્થ સ્ટ્રીટ, ધ પોન્ડ્સ વિસ્તારમાં બે પેસેન્જર્સની ક્ષમતા કરતા વધારે પેસેન્જર્સ સાથે ટુ વ્હિલર ચલાવતા અટકાવ્યા હતા.
તે સમયે વાહન પર તેમની સાથે 59 વર્ષીય પત્ની અને અને તેમનો 6 વર્ષનો પૌત્ર પણ સવારી કરી રહ્યા હતા.
પોલીસે જ્યારે તેમની વધારે પૂછપરછ કરી ત્યારે વાહનચાલકે તેમનું ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ દર્શાવ્યું હતું. અને પોલીસે તેમનો આલ્કોહોલનો ટેસ્ટ કર્યો હતો જે નેગેટીવ આવ્યો હતો.
પોલીસે ટ્રાફિકના કાયદાના ઉલ્લંઘન બદલ નીચે પ્રમાણે ગૂના નોંધ્યા.
- પેસેન્જર્સે હેલ્મેટ ન પહેર્યું હોવા છતાં પણ વાહન ચલાવવું
- 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકને સાઇડકારને બદલે વાહનમાં જ બેસાડીને ડ્રાઇવિંગ કરવું
- વાહન ચલાવતી વખતે યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરવું
- એકથી વધુ પેસેન્જર સાથે વાહન ચલાવવું
પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરી ત્યારે તે ડ્રાઇવરે હાલમાં જ ભારતથી ઓસ્ટ્રેલિયા આવ્યા હોવાના કારણે અહીં ઓસ્ટ્રેલિયાના નિયમોથી અજાણ હોવાનું કારણ દર્શાવ્યું હતું.
ન્યૂ સાઉથ વેલ્સમાં ટુ વ્હિલર પર હેલ્મેટ ન પહેરવા પર જંગી દંડની જોગવાઇ
- ટુ વ્હિલર વાહનચાલકે હેલ્મેટ ન પહેર્યું હોય તો 344 ડોલર અને ત્રણ ડીમેરિટ પોઇન્ટ્સનો દંડ
- ટુ વ્હિલર વાહનચાલકે હેલ્મેટ પહેર્યું હોય પરંતુ પેસેન્જરે ન પહેર્યું હોય તો 344 ડોલર અને ત્રણ ડિમેરીટ પોઇન્ટ્સનો દંડ
- ટુ વ્હિલર વાહનચાલક અન્ય બે પેસેન્જર્સે હેલ્મેટ પહેર્યું ન હોય અને વાહન ચલાવે તો 686 ડોલર અને છ ડિમેરીટ પોઇન્ટ્સનો દંડ ફટકારવામાં આવે છે.
આ ઉપરાંત, આઠ વર્ષથી મોટી ઉંમરનો બાળક જ ટુ વ્હિલર પર પેસેન્જર તરીકે સવારી કરી શકે છે. આઠ વર્ષથી નાની ઉમરના બાળક માટે સાઇડકાર જરૂરી છે.