ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ભારતના કેટલાક રાજ્યોથી સ્ટુડન્ટ વિસા માટે કરવામાં આવતી નકલી વિસા અરજી સામે કાર્યવાહી કરી રહી છે.
દેશમાં સ્થળાંતર કરતા માઇગ્રન્ટ્સ કાર્યના હકો મેળવવા સ્ટુડન્ટ વિસાની પ્રણાલી સાથે છેડછાડ કરી રહ્યા હોવાના કારણે ઓસ્ટ્રેલિયન સરકાર તથા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં દેશની માઇગ્રેશન પ્રણાલી જોખમમાં હોવાની ચિંતા પ્રવર્તી રહી છે.
કોવિડ-19 મહામારી બાદ જ્યારથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે દેશની સરહદો ફરીથી ખુલી મૂકવામાં આવી છે ત્યારથી, ધારણા કરતાં વધુ અરજીઓ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનિસી તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બંને દેશના નાગરિકો સરળતાથી એકબીજાના દેશમાં મુસાફરી તથા અભ્યાસ કરી શકે તે માટેના કરાર કરવામાં આવ્યા હતા.
ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી અરજીની સંખ્યા 75,000 સુધી પહોંચે તેવી શક્યતા છે.
ધ એજ તથા સિડની મોર્નિંગ હેરાલ્ડ દ્વારા તપાસ કરવામાં આવેલી તપાસ મુજબ, 5 યુનિવર્સિટી - વિક્ટોરીયા યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વોલોંગોન્ગ, ટોરેન્સ યુનિવર્સિટી તથા સધર્ન ક્રોસ યુનિવર્સિટીના શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા એજન્ટ ભારતીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકી રહ્યાં છે.
જેથી ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ યુનિવર્સિટી અને એજન્ટ્સ પર વધુ નિયંત્રણ મૂકે તે અગાઉ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પર નિયંત્રણો મૂકવામાં આવી રહ્યાં છે.
જે દેશના માઇગ્રન્ટ્સ દ્વારા વિસાની શરતોનું પાલન ન થઇ શકે તેવી શક્યતા હોય તેવા દેશ માટે હોમ અફેર્સ વિભાગ રેટીંગ્સ જારી કરે છે.
ડીપાર્ટમેન્ટે અખબારોને જણાવ્યું હતું કે, વર્ષ 2021માં મહામારી બાદ દેશની સરહદો ખુલી છે ત્યારથી અપૂર્ણ વિસા અરજી તથા નકલી દસ્તાવેજો કે માહિતી સાતેની સ્ટુડન્ટ વિસા અરજીમાં ઘણો વધારો થયો છે.
મોરિસન સરકારે જ્યારથી સ્ટુડન્ટ વિસાધારકો માટે અઠવાડિયાના 20 કલાક નોકરી કરવાના નિયમો હટાવ્યો છે ત્યારથી સાઉથ એશિયાના દેશોથી કરવામાં આવતી અરજીની સંખ્યા વધી છે.
ફેબ્રુઆરીમાં, હોમ અફેર્સ વિભાગે ઓસ્ટ્રેલિયાના વોકેશનલ સેક્ટરમાં અભ્યાસ માટે ભારતથી કરવામાં આવતી 94 ટકા વિસા અરજી નામંજૂર કરી છે. અમેરિકા, યુનાઇટેડ કિંગડમ તથા ફ્રાન્સથી કરવામાં આવેલી અરજીમાંથી એકથી ઓછા ટકા જેટલી અરજી નામંજૂર થઇ છે.
ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં કેનેડાની બોર્ડર સિક્યુરિટી એજન્ટીએ કોલેજ એડમિશનના નકલી દસ્તાવેજો સાથે 150થી પણ વધુ ભારતીય વિદ્યાર્થીઓને ઝડપ્યા હતા.
વિદ્યાર્થીઓએ ઇમિગ્રેશન એજન્સી દ્વારા તેમની છેતરામણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.