ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે કોરોનાવાઇરસની મહામારીના કારણે મુશ્કેલીનો સામનો કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કેટલીક જાહેરાતો કરી હતી.
જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વધારાની ફી ભર્યા વગર તેમના વિસા લંબાવી શકશે તથા તેમને અંગ્રેજી ભાષાની લાયકાત સાબિત કરવા માટે વધારાનો સમય અપાય તેવી ગોઠવણ કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કરવામાં આવેલા 5 મહત્વના ફેરફાર...
- ઓસ્ટ્રેલિયા બહારથી સ્ટુડન્ટ વિસાની અરજી કરવામાં આવી હશે તેમને વિસા આપવાની દિશામાં સરકાર કાર્ય કરશે. મતલબ, જ્યારે બોર્ડર ફરીથી શરૂ થશે ત્યારે વિદ્યાર્થીઓ પાસે વિસા હશે અને તેઓ ઓસ્ટ્રેલિયા આવવાની પ્રક્રિયા શરૂ કરી શકશે.
- કોરોનાવાઇરસના કારણે જો કોઇ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી નક્કી કરવામાં આવેલા સમયમાં તેનો અભ્યાસ પૂરો નહીં કરી શકે તો તેને સ્ટુડન્ટ વિસા લંબાવવા માટે વધારાની ફીમાંથી છૂટ મળશે.
- વર્તમાન સમયમાં કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયાની બહાર ફસાઇ ગયેલા અને ઓનલાઇન માધ્યમથી અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પોસ્ટ – સ્ટડી વર્ક વિસા મેળવવા લાગૂ પડતી ઓસ્ટ્રેલિયન અભ્યાસની કેટલીક શરતોમાંથી છૂટ મળશે.
- કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયા પરત ન ફરી શકતા સ્નાતકો પાસે જો સ્ટુડન્ટ વિસા હશે તો તેઓ પોસ્ટ સ્ટડી વર્ક વિસા માટે અરજી કરી શકશે.
- કોરોનાવાઇરસના કારણે અંગ્રેજી ભાષાની લાયકાત સાબિત કરવા માટેની પરીક્ષા ન આપી શકનારા વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવામાં આવશે.
કાર્યકારી ઇમિગ્રેશન, સિટીઝનશિપ, માઇગ્રન્ટ સર્વિસીસ અને મલ્ટીકલ્ચરલ અફેર્સ મિનિસ્ટર એલન ટજે જણાવ્યું હતું કે, આ ફેરફારો હાલમાં ઓસ્ટ્રેલિયામાં હોય તેવા અને કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયા પરત ન ફરી શકનારા તમામ વિદ્યાર્થીઓને લાગૂ પડશે.
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે ઓસ્ટ્રેલિયન સરકારને વાર્ષિક 40 બિલિયન ડોલરની આવક થાય છે અને શિક્ષણ ક્ષેત્ર 250,000 નોકરીની તકોનું નિર્માણ કરે છે.
મંત્રી એલન ટજે ઉમેર્યું હતું કે, આ ફેરફારો દ્વારા ફક્ત શિક્ષણ ક્ષેત્રને જ નહીં પરંતુ તેની આસપાસ જોડાયેલા સ્થાનિક વેપાર – ઉદ્યોગ, પ્રવાસન, રીટેલ તથા હોસ્પિટાલિટી ક્ષેત્રને પણ મદદરૂપ થશે.
શિક્ષણ મંત્રી ડેન તેહાને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલા કેટલાક નિર્ણયોથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તેઓ પરિસ્થિતી સામાન્ય થશે ત્યારે ઓસ્ટ્રેલિયા આવીને તેમનો અભ્યાસ આગળ વધારી શકશે.