Corroboree એ ઓસ્ટ્રેલિયન એબઓરિજીનલ ડાન્સ કાર્યક્રમ છે જે પવિત્ર વિધીના અથવા સામાન્ય મેળાવડાના રૂપમાં થઇ શકે છે. Corroboree 2000 એ સિડની હાર્બર બ્રિજ પર બે દાયકા અગાઉ યોજાયેલી રેલી હતી.
28મી મે 2000ના રોજ યોજાયેલી રેલીના ઇતિહાસ પર નજર...
અગાઉ, આ રેલી યોજવા માટે કાઉન્સિલ ફોર એબઓરિજીનલ રીકન્સિલિયેશને કેટલાક નિર્ણય લીધા હતા. જેમાં હજારો આદિજાતીના લોકો બ્રિજના એક છેડે ભેગા થાય અને તેટલી જ સંખ્યામાં બિન-આદિજાતીના લોકો બીજા છેડે ભેગા થાય.
ત્યાર બાદ તેઓ પોતપોતાના છેડેથી ચાલવાનું શરૂ કરે અને બ્રિજની મધ્યમાં એકબીજાને મળે. જોકે તેમાંથી ઘણા લોકો આ પ્રકારે ભાગ લેનારા લોકોના બે ભાગ કરવામાં અસંમતિ દર્શાવી હતી.
ત્યાર બાદ કાઉન્સિલના ત્રિમાસિક જરનલમાં જ તેનો ઉકેલ આપવામાં આવ્યો – ‘વોકિંગ ટુગેધર’. એટલે કે અલગ અલગ નહીં, પરંતુ એક સાથે જ ચાલવું. જે અંતર્ગત, રેલી બ્રિજના ઉત્તર ભાગમાંથી શરૂ થાય અને ત્યાર બાદ ડાર્લિંગ હાર્બરની દિશામાં આગળ વધે જ્યાં મફતમાં જાહેર કાર્યક્રમ યોજવામાં આવે તેમ નક્કી કરાયું હતું.
28મી મે 2000ના રોજ યોજાનારા કાર્યક્રમના કેટલાક દિવસ અગાઉ, ધ કાઉન્સિલ ફોર એબઓરિજીનલ રીકન્સિલિયેશનને ઓછા લોકો ભેગા થશે તેવી આશા હતી. પરંતુ લગભગ 250,000 આદિજાતી તથા બિન-આદિજાતીના લોકોએ આ દિવસે યોજાયેલી રેલીમાં ભાગ લીધો હતો.
જ્યારે હવામાં ઉડી રહેલા વિમાન દ્વારા હાર્બર પરના આકાશમાં ‘Sorry’ લખવામાં આવ્યું ત્યારે રેલીમાં ભાગ લેનારા લોકોએ તેને વધાવી લીધું હતું.
બ્રિજ વોક અને ઓસ્ટ્રેલિયામાં થયેલા આ પ્રકારના ઘણા કાર્યક્રમો દ્વારા એ નક્કી થયું કે સમાધાનની પ્રક્રિયાને જનતાનું સમર્થન હતું. ભલે, આ કાર્યક્રમ એબઓરિજીનલ લોકો દ્વારા યોજવામાં આવ્યો હતો પરંતુ તેમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયના લોકોએ ભાગ લીધો હતો.