ગુરુવારે ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ થતી સામગ્રી અને તેના નિયમો અંગે કાયદો ઘડી વોટિંગ કરવામાં આવ્યું હતું. નવા ફેરફાર અંતર્ગત જો કોઇ સોશિયલ મીડિયા કંપની આ કાયદાનો ભંગ કરશે તો તેના એક્સીક્યુટીવને જેલની સજા પણ ભોગવવી પડી શકે છે.
શું છે આ નવો કાયદો
ફેસબુક, twitter અને youtube અન્ય સોશિયલ મીડિયા કંપનીઓએ હવે પોતાના પ્લેટફોર્મ પર પોસ્ટ થતી સામગ્રીઓ પર નજર રાખવી પડશે અને જો કોઇ હિંસક અને અસ્વીકાર્ય સામગ્રી પોસ્ટ થશે તો કંપનીઓએ તે તરત જ ડીલીટ કરવી પડશે. જો સોશિયલ મીડિયા કંપનીઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો કંપનીને તેમની વાર્ષિક આવકના 10 ટકા જેટલો દંડ પણ થઇ શકે છે. અને તેના સીઇઓ કે એક્સીક્યુટીવ કક્ષાના કર્મચારીઓને ત્રણ વર્ષ સુધીની જેલની સજા પણ થઇ શકે છે.
આ કંપનીઓએ અસ્વીકાર્ય સામગ્રી પોસ્ટ થયા બાદ સમયસર પોલીસને પણ તેની જાણ કરવી પડશે.
કાયદો ઘડનાર ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ
સોશિયલ મીડિયા પર હિંસાત્મક અને વિચલીત કરી શકે તેવી સામગ્રીની પોસ્ટ કરનાર કંપનીઓ સામે શિક્ષાત્મક પગલા લેવાનો કાયદો ઘડનાર ઓસ્ટ્રેલિયા વિશ્વમાં પ્રથમ દેશ બન્યો છે.
કાયદો ઘડવાની જરૂર કેમ પડી
15મી માર્ચે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં મસ્જિદમાં ગોળીબાર કરનાર વ્યક્તિએ માથા પર પહેરેલી હેલ્મેટમાં કેમેરા ફીટ કર્યો હતો, અને તેણે ગોળીબાર કરતી વખતે તે ઘટનાનું ફેસબુક પર જીવંત પ્રસારણ કર્યું હતું. આ વીડિયો સામે ફેસબુક કોઇ પગલાં લે તે પહેલા તેને વિશ્વના કરોડો લોકોએ નીહાળ્યો હતો. 1 કલાકથી પણ વધુ સમય સુધી તે વીડિયો ફેસબુક પર હતો અને કેટલાય લોકોએ તેને વોટ્સએપ, ફેસબુક પેજ પર શેર કર્યો હતો. ત્યાર બાદ ફેસબુકે તે વીડિયો પોતાના પ્લેટફોર્મ પરથી હટાવ્યો હતો.
આ ઘટના બાદ, ઓસ્ટ્રેલિયન સરકારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિંસક, બળાત્કાર અને અસ્વીકાર્ય સામગ્રી પોસ્ટ ન થાય તે માટે કાયદો ઘડવાની ફરજ પડી છે.
કેન્દ્ર સરકારના કાયદાને મિશ્ર પ્રતિસાદ
કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવો કાયદો ઘડતા તેના મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યા હતા. કાયદાકિય સમુદાય અને અન્ય કંપનીઓએ સરકારના આ કાયદાની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે કાયદો જે મીડિયા કંપનીઓ જાહેર હિતમાં અમુક વીડિયો પ્રસારીત કરે છે તેને પ્રભાવિત કરી શકે છે.
જોકે, બીજી તરફ એટર્ની જનરલ ક્રિશ્ચિયન પોર્ટરે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા કંપનીઓ માટે કરોડો વિડીયો પર નજર રાખવી સહેલી નથી પરંતુ 15 માર્ચના રોજ જે પ્રમાણે ઘટનાનો લાઇવ વીડિયો ફેસબુકના માધ્યમથી પોસ્ટ કરવામાં આવ્યો હતો તે સ્પષ્ટપણે અસ્વીકાર્ય હતો.
નવા કાયદાના બચાવમાં સંદેશ વ્યવહાર પ્રધાન મિચ ફિફીલ્ડે જણાવ્યું હતું કે જે વસ્તુ વાસ્તવિક દુનિયામાં સ્વીકાર્ય નથી તેને ઓનલાઇન પણ ન ચલાવી શકાય.
ત્રાસવાદીઓ અને હત્યારાઓ પ્રસિદ્ધિ માટે પોતાના દુષકૃત્યો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે, લોકોને ઉક્સવવાનો પણ તેમનો ઉદેશ્ય હોય છે. તેમની આ મેલી મુરાદ પૂરી ના થાય તે માટે તેમની સામગ્રીને ફેલાતી અટકાવવી અનિવાર્ય છે.
More stories on SBS Gujarati
જો તમારો ડેટા ચોરાયો હશે તો ફેસબુક તમારો સંપર્ક કરશે