ઓસ્ટ્રેલિયામાં હવે કોઇ પણ દવા માટે ડોક્ટર દ્વારા આપવામાં આવતા પ્રિસ્ક્રીપ્શનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
જે અંતર્ગત 1લી ફેબ્રુઆરી 2021 બાદથી આપવામાં આવતા પ્રિસ્ક્રીપ્શનમાં દવામાં રહેલા સક્રીય તત્વો અને સામગ્રીની માહિતી આપવી જરૂરી છે.
દવામાં રહેલા સક્રીય તત્વો ઉપરાંત, ડોક્ટર અને ફાર્માસિસ્ટ દવાની કંપનીનું નામ પણ લખી શકે છે.
NPS MedicineWise ના મેડિકલ એડવાઇસર એન્ડ જનરલ પ્રેક્ટિશનર ડો જીલ થિસલથ્વેઇટ જણાવ્યું હતું કે, દવામાં રહેલા કેમીકલયુક્ત સક્રિય તત્વો શરીરના અવયવોને અસર કરી શકે છે.
તમામ સક્રિય તત્વો ટેબલેટ કે પ્રવાહી સ્વરૂપે દવામાં ભેળવવામાં આવ્યા હોય છે.
જેથી દવાના પ્રિસ્ક્રીપ્શનમાં જો સક્રિય તત્વો વિશેની માહિતી આપવામાં આવશે તો દર્દીને તેની અસર વિશે વધુ જાણકારી પ્રાપ્ત થઇ શકે છે, તેમ તેમણે જણાવ્યું હતું.
આ ફેરફાર દ્વારા લોકો તેઓ કઇ દવા લઇ રહ્યા છે તેની માહિતી મેળવશે અને ફાર્માસિસ્ટને એકસરખા સક્રિય તત્વો ધરાવતી અન્ય દવા આપવા વિશે પણ જણાવી શકશે.
કોમનવેલ્થ ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર પૌલ કેલીએ જણાવ્યું હતું કે નવા ફેરફાર બાદ લોકોની મૂંઝવણમાં ઘટાડો થશે અને તેઓ કઇ દવા લઇ રહ્યા છે, તે વિશે જાણકારી મેળવી શકશે.
એક જ પ્રકારના સક્રિય તત્વો ધરાવતી બે દવા લેવાથી દર્દીના શરીર પર જોખમ ઉભું થઇ શકે છે. અને શરીર પર દવાની અસર ન થાય અથવા વધુ આડઅસર થવાની શક્યતા પણ વધી જાય છે.
દવામાં રહેલા સક્રિય તત્વો વિશે ડોક્ટર અથવા ફાર્માસિસ્ટ વધુ માહિતી આપી શકે છે અથવા NPS Medicines Line નો 1300 MEDICINE (1300 633 424) પર સંપર્ક કરી શકાય છે.