ઓસ્ટ્રેલિયાના વિવિધ વ્યવસાયો, વેપાર - ઉદ્યોગ અને સ્થળો પર સાઇબર હુમલાનો ભય રહેલો છે અને તે વિશે શાળાના બાળકોને જ્ઞાન મળી રહે તે માટે કૃત્રિમ સાઇબર હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સાંસદ, આસિસ્ટન્ટ મિનિસ્ટર ફોર ડિફેન્સ એન્ડ્ર્યુ હેસ્ટિએ ખુલ્લો મૂક્યો હતો. જેમાં ANZ, CBA, NAB, Westpac જેવી મોટી સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના દરેક રાજ્યો તથા ટેરીટરીની 200થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં તેમને સોશિયલ એન્જીનિયરીંગ, ચિત્રોમાં ડાટા છૂપાવવો, કમ્પ્યુટરના કોડ સાથે છેડછાડ તથા ડાટા ચોરી કરવા જેવા કૃત્રિમ હુમલા કરનારા લોકો સાથે વાટાઘાટ તથા તેમની સામે લડતની તક મળી હતી.
ઓસ્ટ્રેલિયામાં 3.8 મિલિયન ડોલરના ખર્ચે રાષ્ટ્રીય સ્તરે પ્રોજેક્ટ સાઇબર લાઇવ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ અંગે સાંસદ અને આસિસ્ટન્ટ ડિફેન્સ મિનિસ્ટર એન્ડ્ર્યુ હેસ્ટિએ જણાવ્યું હતું કે, સરકાર, વિવિધ વેપાર - ઉદ્યોગો અને શિક્ષણ વિભાગે મળીને સૌ પ્રથમ વખત આ પ્રકારના પ્રોજેક્ટનું આયોજન કર્યું છે.
અગાઉ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાઇબર હુમલા વિશે જ્ઞાન આપવા માટેનો પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2019થી અમલમાં આવ્યો હતો. જેના પ્રથમ ચરણમાં 170,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વર્ષ 2022માં બીજા તબક્કામાં Cyber STEP ના નામથી જાણિતા પ્રોજેક્ટમાં ઓસ્ટ્રેલિયાના યુવાનોમાં સાઇબર સુરક્ષા તથા હુમલા વિશે જ્ઞાન વધે તે અંગે માહિતી પૂરી પાડવામાં આવે છે.
જેમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ ક્ષેત્રોમાં કુશળ કર્મચારીઓની અછત વિશે પણ જાણકારી આપવામાં આવે છે.