છ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમને બે નોકરીદાતા દ્વારા કરવામાં આવતા ઓછા વેતન સામેનો કેસ જીતી લીધો છે.
ફેડરલ સર્કિટ એન્ડ ફેમિલી કોર્ટ ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા ચૂકાદા બાદ વિદ્યાર્થીઓને કુલ 50,000 ડોલરની ચૂકવણી કરવામાં આવશે.
કર્મચારીઓના હકો માટે કાર્ય કરતી સંસ્થા જોબવોચ દ્વારા ભારત તથા કોલંબિયાના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.
કોર્ટે તપાસમાં નોંધ્યું હતું કે નોકરીદાતાઓએ ભારતના 3 તથા કોલંબિયાના 3 વિદ્યાર્થીઓને 3000થી 15,000 ડોલર જેટલું ઓછું વેતન આપ્યું હતું.
ભારતના 3 વિદ્યાર્થીઓ કાજલ, વિનીત તથા વૈષ્ણવી હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કેઝ્યુઅલ કર્મચારીઓ તરીકે કાર્ય કરતા હતા.
વર્ષ 2020ની શરૂઆતમાં તેમનું નોકરીદાતા દ્વારા શોષણ કરવામાં આવ્યું હતું.
તેમણે નોકરી મેળવવા માટેની વેબસાઇટ Gumtree પરથી આ નોકરી શોધી હતી.
બીજી તરફ, કોલંબિયાના 3 વિદ્યાર્થીઓ કલાકના 20 ડોલર વેતનના દરથી ઓફિસ ક્લિનીંગનું કાર્ય કરતા હતા. તેમણે આ નોકરી માટે મૌખિક સંવાદ કર્યો હતો.
522 કલાક નોકરી કર્યા બાદ તેમને 740 ડોલર રોકડ આપવામાં આવ્યા હતા.
વિદ્યાર્થી મેરિલીને જણાવ્યું હતું કે, શરૂઆતમાં નોકરીદાતા ખૂબ જ યોગ્ય રીતે વર્તન કરતા હતા પરંતુ જ્યારે અમે બાકી રહેલા નાણાની માંગ કરી અને કંપની સામે પગલાં લેવા અંગે જણાવ્યું ત્યારે તેમણે અમને ધમકી આપી હતી.
તેમણે અમે રોકડ નાણા મેળવી નોકરી કરીએ છીએ અને ટેક્સ ભરતા નથી તેવી ઇમિગ્રેશન ડીપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
તમામ વિદ્યાર્થીઓએ નોકરીદાતા દ્વારા ઓછું વેતન આપવામાં આવ્યાની પરિસ્થિતિનો સામનો કર્યા બાદ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એમ્પલોયમેન્ટ એન્ડ હાઉસિંગ સર્વિસ (ISEALS)ની મદદ માંગી હતી.
ત્યાર બાદ તેમને જોબવોચમાં ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું હતું.
જોબવોચમાં લીડ એટર્ની તરીકે કાર્ય કરતા ગેબ્રિયેલ માર્ચેટ્ટીએ જણાવ્યું હતું કે, આ ફરિયાદમાં બે જુદા જુદા નોકરીદાતા અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા પરંતુ બંને વચ્ચે ઘણી સમાનતા હતી.
તેમણે ઉમેર્યું હતું કે, ઘણી વખત નોકરીદાતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરિસ્થિતિનો લાભ લેતા હોય છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અંગ્રેજીનું જ્ઞાન તથા નોકરીના હકો વિશે પૂરતું જ્ઞાન ન હોવાથી તેમનું શોષણ કરવામાં આવતું હોય છે.
ફેર વર્ક ઓમ્બુડ્સમાનના આંકડા પ્રમાણે, વિવિધ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા લોકો દ્વારા ઓછા વેતન અંગેની ફરિયાદ કરવામાં આવતી હોય છે. જેમાંથી મોટાભાગની ફરિયાદનો ચૂકાદો કોર્ટ દ્વારા કરવામાં આવે છે.ભારતીયમૂળની વિદ્યાર્થીની વૈષ્ણવીએ જણાવ્યું હતું કે જે વ્યક્તિની પ્રથમ ભાષા અંગ્રેજી ન હોય તેને વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. મોટાભાગના નોકરીદાતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે.
Source: facebook.com/fairwork
વૈષ્ણવી ઉમેરે છે કે તેને ખબર હતી કે તે વધુ નાણા મેળવવા માટે હકદાર છે પરંતુ તેના નોકરીદાતા તેની સામે ફરિયાદ કરશે અને જેનાથી તેના વિસા અને અભ્યાસ પર અસર પડશે તેવો ડર હતો.
વૈષ્ણવીએ શોષણની પરિસ્થિતિનો સામનો કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કાયદાકીય મદદ લેવા માટે જણાવ્યું હતું.
હાલમાં ઓસ્ટ્રેલિયામાં લઘુત્તમ વેતન દર પ્રતિ કલાક 20.33 ડોલર છે. કેઝ્યુઅલ કર્મચારીઓ, નોકરી ઉપરાંતના વધુ કલાકો માટે લઘુત્તમ વેતન દરથી વધુ વેતન મળી શકે છે.
વિવિધ વિસાશ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો ફેર વર્ક ઓમ્બુડ્સમાનની ઓફિસ કે વેબસાઇટની મદદથી કર્મચારીઓના હકો વિશે માહિતી કે સલાહ મેળવી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં કામચલાઉ વિસાધારકો સહિત તમામ કર્મચારીઓ કાર્યના એકસરખા હકો ધરાવે છે.