ભારતમાં કોવિડ-19ના કેસમાં વધારો થતા દેશમાં આગમન કરતા કુલ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી 2 ટકા પ્રવાસીઓનો એરપોર્ટ પર કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે.
આ નિવેદન દેશના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સંસદમાં આપ્યું હતું.
ભારતમાં કોરોનાવાઇરસના નવા પ્રકારનો કેસ નોંધાયા બાદ મંત્રી માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી હજી સમાપ્ત થઇ નથી. વાઇરસ તેનું રૂપ સતત બદલી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19ની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ગુરુવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
માંડવિયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ક્રિસમસના તહેવાર તથા નવા વર્ષની ઉજવણી દરમિયાન તમામ રાજ્યોને કોવિડ-19 સામે સુરક્ષિત રહેવા માટે યોગ્ય પગલાં લેવા જણાવાયું છે.
જેમાં વ્યવસ્થિત હાથ ધોવા તથા માસ્કના ઉપયોગનો સમાવેશ થાય છે.
વર્ષ 2020 તથા 2021 દરમિયાન કોરોનાવાઇરસ મહામારીના કારણે ભારતમાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓની સંખ્યા ઘણી ઓછી હતી પરંતુ હાલમાં દેશની સરહદો ખુલ્યા બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા વધી છે.
વર્ષ 2019માં ભારતની 11 મિલિયન લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં 370,000 ઓસ્ટ્રેલિયન્સનો પણ સમાવેશ થાય છે.
ભારતમાં પ્રવાસીઓ માટેના લોકપ્રિય સ્થળ તાજ મહેલમાં પ્રવેશ કર્યા અગાઉ મુલાકાતીઓએ કોવિડ-19 ટેસ્ટ કરવો ફરજિયાત છે, તેમ સમાચાર સંસ્થા ANIએ જણાવ્યું હતું.
સંસદ સત્રમાં હાજરી આપી રહેલા સાંસદો પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના વિવિધ રાજ્યોમાં ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ હટાવવામાં આવ્યો હતો.
આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના જણાવ્યા પ્રમાણે, હાલમાં દેશમાં દરરોજ કોવિડ-19ના સરેરાશ 153 કેસ નોંધાય છે.
Credit: Wikimedia (public domain)
ચીન તથા અન્ય દેશોમાં કોવિડ-19 કેસની સંખ્યા વધતા, કેન્દ્રીય સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં તમામ રાજ્યોને કોવિડ-19ના નવા પ્રકાર પર નજર રાખવા તથા ભીડવાળી જગ્યા પર લોકોને માસ્ક પહેરવા અનુરોધ કર્યો હતો.
ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 44 મિલિયન કેસ નોંધાઇ ચૂક્યાં છે. જે અમેરિકા બાદ વિશ્વમાં બીજા ક્રમે છે.
ભારતમાં કોવિડ-19ના કેસની સંખ્યા વધશે તો આગામી દિવસોમાં કોરોનાવાઇરસની મહામારી દરમિયાન લાગૂ કરવામાં આવેલા નિયમો ફરીથી અમલમાં આવી શકે છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.